આજે ‘બેફામ’ સાહેબના જન્મદિવસે તેમને શબ્દાંજલિ(A tribute to ‘Befam’ Sir on his birthday)

befam

બરકત વીરાણી “બેફામ” (1923 – 1994)

‘બેફામ’ સાહેબ ના જન્મદિવસે તેમને શબ્દાંજલિ


હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.


થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.


અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…

નયન ને બંધ રાખીને…….

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…

મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….


ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

— બરકત વીરાણી “બેફામ” 

 

Manoj Shukla’s Poetry-2(મનોજ શુક્લની રચનાઓ-2)

ગીત

હોય અમારૂં એવું ઘર જ્યાં
મુક્ત પછેરૂ એક જ નીડ,
કલબલતું આંગણ હો સાથે
કલરવ ભીની મીઠી ભીડ.

સ્નિગ્ધ ધરાનું પોત હમેશાં
જોડી રાખે દઇને હેત,
મ્હેક અમારા સંબંધોની
પ્રસરે વનમાળીને ખેત,
જોજન દૂરનાં જીવો પણ
આકર્ષણ પામે જાણે તીડ,
હોય અમારૂં….

હ્રદય અમારે સમૃદ્ધિનો
સાગર છલકે પારાવાર,
હેતે વ્હેતા સ્નેહલ ઝરણાં
તૃપ્ત કરે તરબોળ અપાર,
હાથ પસારે હરિવર જાણે
હરવા જગ બાંધવની પીડ.
હોય અમારૂં…


-મળશે-

અહીં કાલનું આજ સંધાન મળશે,
ઇતિહાસે શાપિત એંધાણ મળશે.

અહીં સલ્તનતના છે તખ્તો ય પોકળ,
ટકોરા કરીને જો પોલાણ મળશે.

કદી માર્ગને ઠીક કરવાને ધારો
તમારા કરેલા જ ખોદાણ મળશે.

કરોડોની કાંધે ચડીને નિકળતી
અનર્થોની અર્થીના ભેલાણ મળશે.

દરોદારને સૌ દમામોના દાવા
નિરખતા હરેકે સમાધાન મળશે.

જુઓ એક છોડે બે રંગે ફૂલોને
અલગ કૂળના આમ જોડાણ મળશે.

ખુબીથી વિવિધામાં એકત્વ દેખો
નહી તો અનેકોના ભંગાણ મળશે.


ધીર ના ધરી શકું,
પ્રેમ શે કરી શકું ?

વ્હેણ જોશના ય તે,
તાણમાં તરી શકું.

માનમાં રહી અને
મૌન પણ ધરી શકું.

નેહ નાડ પારખી,
વાપસી કરી શકું.

વાત જાતથી કરી,
વાત ચાતરી શકું.

કેટકેટલું કરી,
કૈંક તો કરી શકું.


સંગણક યાંત્રિકતા તો માઉસની પુચ્છે જીવે,
બિંદુ કે રેખા કરો સૌ માઉસ આધીન કર્સરે.

શબ્દની શાલીનતા કે તસ્વીરી તાસીરને
સ્પર્શતું પંપાળતું મદહોશ થાતું કર્સરે.

અંગુલી નિર્દેશ માટે અવનવા રૂપો ધરી,
મોહમય માયા રચાવે ક્લીક કરતાં કર્સરે.

ગણપતી કહેવા ઘટે આ સંગણક સંચાલકો
નિતનવી સિદ્ધિ ઉમેરે મુષક ઝીણા કર્સરે.


-કાં હણહણો.

કાન ‘ને આંખો કરે છે ચણભણો,
ચુપ રહીને કેમ આવું ગણગણો ?

શ્વાસને અફડાવ મા જાગી જશે,
વાગશે જો ચાંદનીની રણઝણો.

તૃણ ! ઘેલી તરફડાહટને કહે,
મેઘને ઝકઝોળતા’તા જલકણો.

એક મુઠ્ઠી તાંદુલોએ પણ કહ્યા,
બીજના અઢળક સુધીના સગપણો.

જીરવ્યા શેં થાય એવા પણ હશે,
જીવને પર્યંતતાના વળગણો.

મોહ છે રેવાલતાનો રક્તને,
ઘોડલાઓ ! દેહમાં કાં હણહણો ?

મનોજ શુક્લ

રમેશ પારેખ ની કેટલીક રચનાઓ(Some poetry of Ramesh Parekh)

ramesh_parekh_11Ramesh Parekh(રમેશ પારેખ)

1940-2006


ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…


સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને – કાંવ…કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા….
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.


ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !


પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા


હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?


Kashyap Langaliya ‘Kajal”s poetry(કશ્યપ લંગાળિયા ‘કજલ’ ની રચનાઓ)

કાયમી મોતને બાથમાં રાખતો,
એટલે હું કફન સાથમાં રાખતો.

છે હૃદય  રક્તની  ધારમાં  ખેલતું,
આજ પાછું હૃદય હાથમાં રાખતો.

બોલવુંતું ઘણું મૌનમાં બોલતો,
તોય તે શબ્દને કાથમાં રાખતો.

શ્વાસ ધીમા થયા હાંફતા દેહનાં,
જીવતી આગને આથમાં રાખતો.

મોજથી   જિંદગી  છૂટવાને  મથું,
છો ‘કજલ’ તું કબર નાથમાં રાખતો.


શમાને જલાવી શમી હું ગયેલો,
દરદને  દબાવી  દમી હું ગયેલો.

વ્યથાઓ હવે શું કહું ઓ જમાના,
સભાને  ગજાવી  ભમી હું  ગયેલો.

સદા અશ્રુ ભીની રહે પાંપણો પણ,
નયનને   નમાવી   નમી  હું  ગયેલો.

ભલે  શ્વાસ  હાંફે  અકારું  બનીને,
કફનને સજાવી   ગમી  હું  ગયેલો.

અક્ષોણી હતો કાફલો જો ‘કજલ’નો,
કબરને  મપાવી  રમી   હું   ગયેલો.


સોદાગરો થયા છે,  ભેગા  ફરી  બજારે,
બોલાવશે  હરાજી,  મારી  ભરી  બજારે.

આંખો નચાવતાંતા છોડી શરમ કરમ કૈં,
ઘેઘૂર  માંગણીઓ   શાને  કરી  બજારે.

પથ્થર ભરેલ ગોફણ સંગાથ લોક સામે,
ધ્રૂજેલ લાગણીઓ જો કરગરી બજારે.

સોપાનમાં ચરણ છોલાયા વધી કપાસી,
લો રક્ત ધાર પાનીમાં થી સરી બજારે.

થોડાક માણસોને જાણી શકે ‘કજલ’ શું?
ગુંથે નવા કફનમાં થોડી જરી બજારે.


અબોલા  થયેલા  અધૂરી  સફરમાં,
અકેલા   જવાનું   પરાયા નગરમાં.

બચેલા સપન પણ અકથ થૈ ગયેલાં,
નહીંતો  જણાવે  નવું  કૈં  ખબરમાં,

સજીને  ધજીને   મળેલો   કફનને,
ભળીને  જવાને  વ્યથાનાં  પગરમાં.

વ્યથા  વાત  મારી  નનામી કહેશે,
હતો કાફલો તો ઘણોયે સબરમાં.

નયન બંધ થાશે  સદાકાળ  માટે,
હવે  ના જગાડો ‘કજલ’ને કબરમાં.


જિંદગીમાં જે દરદની માપધારા હોય છે,
નામ એનું તો નયનની અશ્રુધારા હોય છે.

સંગ આવે  પ્રેમથી  એ કાયમીના  ધોરણે,
માણવામાં આમતો એ એકધારા હોય છે.

કાલની કોને ખબર છે, કે પરાયા કોણ છે,
બાણ એના ધારવાળા ખૂંપનારા હોય છે.

ચીખવા  દો  કૈંક  થોડું  પોક મૂકીને  મને,
ચીસ મારા આ હૃદયની સૂરધારા હોય છે.

પોઢવાનું નૈં મળે  શું  શાંતચિત્તેથી  ‘કજલ’ને ?
આ જગતમાં તો કબર પણ ખૂંદનારા હોય છે.!


પ્રણયને હટાવી વમળ થૈ જવાના,
નયન તો સદાયે સજળ થૈ જવાના.

તુટી ડાળ આજે ભરેલા વસંતે,
અબોલા હવે’તો સરળ થૈ જવાના.

ભરી ભાત કેવી અનોખી કફનમાં,
સુકા અશ્રુ પાછા તરળ થૈ જવાના.

બતાવે નરકની મને બીક શાને ?
નિરાંતે કબરમાં અચળ થૈ જવાના.

ભલે મૃત્યુ બોલે ‘કજલ’ કાન કેરું,
જપી રામ નામે સફળ થૈ જવાના.


ગીત

છોડ્યું ફળિયું, રમી ને ઘર-ઘર, દીકરી ચાલી.
સખી નું આણું, પાંચીકા નું પટોળું, દીકરી ચાલી.
મામો મુછાળો, ભરી બેઠો મોસાળું, દીકરી ચાલી.
માણેકસ્તંભ, રોપી ને આંગણીયે, દીકરી ચાલી.
હાથે મીંઢળ, ને તને પાનેતર, દીકરી ચાલી.
આંતરપટ, કેવો રૂડો છે વર, દીકરી ચાલી.
ભૈયા હિબકે, જવતલ ખડકે, દીકરી ચાલી.
દોડપકડ, ની યાદે ચોરી ફેરાં, દીકરી ચાલી.
નાની બેની ના, અશ્રુ નું માં માટલું, દીકરી ચાલી.
ગાડા ના પૈડે, વધેરી સંભારણા, દીકરી ચાલી.
છાતી એ ડૂમો, ‘માં’ એકાંત વલોવે, દીકરી ચાલી.
લઈ ને મ્હેક, ‘માં’ તારા ધાવણ ની, દીકરી ચાલી.
બાપ ની સંગે, પા પા પગલી પાડી, દીકરી ચાલી.
બાપ ના દિલે, થાપા, હથેળી છોલી, દીકરી ચાલી.
“કજલ” કાંધે, અર્થી મૂકી ડોલી ની, દીકરી ચાલી.
ચુક્યો “કજલ”, પુણ્ય કન્યાદાન નું, દીકરી ચાલી.
આશિષ દેતો, “કજલ” ઉભો આભે, ને શ્રુષ્ટિ ખાલી.
આજ “કજલ”, તારી દીકરી ચાલી, દીકરી ચાલી.

કશ્યપ લંગાળિયા “કજલ”