Featured

Welcome(સ્વાગતમ્)

This is the post excerpt.

Advertisements

Hello, welcome to PADHYAM. Here you can enjoy all kind of poetry. Mostly in Gujarati language. (નમસ્તે. પદ્યમ માં આપનું હાર્દિક સવાગત છે. અહીં આપ વિવિધ પ્રકાર ની પદ્ય  રચનાઓ નો આનંદ માણી શકશો. મુખ્યત્વે ગુજરાતી ભાષાની રચનાઓ.)

A List of Poetry Types(પદ્ય પ્રકારો ની સુચી)

 • ગઝલ
 • હઝલ
 • ગીત
 • અછંદાસ
 • કવિતા
 • તાન્કા
 • હાઇકુ
 • ભજન
 • સોનેટ
 • ટ્રાયોલેટ
 • સાઈજીકી
 • મુક્તક

Join us on Facebook

Visit us at Instagram

Visit our Google+ Collection

જલન માતરી સાહેબની કેટલીક રચનાઓ(Some poetry of Jalan Matari)

jalan

જલન માતરી

(1934 – 2018)


દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે.

વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે.

છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે?

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે?

બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?

કોઈનો   એબ  જોવા   વેડફો  ના   તેજ   આંખોનું,
કે  એણે  આંખ  આપી  છે  તો  સારું  દેખવા  માટે.

હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.


એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું.

હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,
મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને  તો  જીવનભર  તરસવાનું   હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’,  જાણે કે  મૃત્યુ મારું  પોતાનું  હતું.


 આશ   એની     ઉમ્રભર   બાંધો       નહીં,
રેતના    રણ    માંહે    ઘર  બાંધો     નહી.

આપ      શણગારો     અમારી    જિંદગાની,
નિત       નોખાં        નગર    બાંધો  નહીં.

લાજ    લૂટો      મા!   તમે        એકાંતની.
મુજ       ક્બર   પાસે  કબર   બાંધો    નહીં.

ત્યાંય      સળગાવી  છે   એણે   એ   દોઝકો,
આપ      મરવા  પર   કમર     બાંધો  નહીં.

અમને     છોડી      દો  અમારા   હાલ   પર,
આપ      આવીને    નજર     બાંધો    નહીં.

ક્યાંક        સૂરજને        કમોતે     મારશો,
ઓ  ‘જલન’  છોડો    સહર    બાંધો    નહી.


જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.


તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

આજે ‘બેફામ’ સાહેબના જન્મદિવસે તેમને શબ્દાંજલિ(A tribute to ‘Befam’ Sir on his birthday)

befam

બરકત વીરાણી “બેફામ” (1923 – 1994)

‘બેફામ’ સાહેબ ના જન્મદિવસે તેમને શબ્દાંજલિ


હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.


થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.


અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…

નયન ને બંધ રાખીને…….

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…

મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….


ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

— બરકત વીરાણી “બેફામ” 

 

Kajal Kanjiya “Fiza”‘s Poetry-2(કાજલ કાંજીયા “ફિઝા”ની રચનાઓ-૨)

ગઝલ

શબ્દો વગરની લાગણી હોય છે,
શ્વાસે તમારી માંગણી હોય છે.

જ્યાં લાગણી તલ ભાર પણ ના રહે,
ત્યાં તો વધારે માપણી હોય છે.

જે હોય મનમાં ને કહી ના શકું,
દર્દો બધાં આ ટાંકણી હોય છે.

જ્યાં જિંદગી અંગાર જેવી રહે,
લીલી ખુશી ત્યાં પાંગળી હોય છે.

સાજન તમારાં આ વિયોગે બધી,
રાતો અમારી વાંઝણી હોય છે.

જ્યાં થાય રાતોનાં સતત જાગરણ,
ત્યાં પ્રેમની હજુ વાવણી હોય છે.

જોવે નજર ખોટી કરી જે જગત,
આંખે નકામી આંજણી હોય છે.


ગઝલ

આ દુનિયાની ચાહત તું છોડ બધી,
ઉધારીની આદત તું છોડ બધી.

ચોરે બેસી ચૌટા કરવાની ‘ને,
પંચાતો પણ પાદર તું છોડ બધી,

જીવનમાં દુ:ખોને વળગેલી ‘હો,
એવી મેલી ચાદર તું છોડ બધી.

કોઈનાં મનને કાપે ને મારે,
એવી વેરી કાતર તું છોડ બધી.

ભગવા પ્હેરી ન થવાઈ સંત કદી,
માયા ઈશ્વર ખાતર તું છોડ બધી.


ગઝલ

શ્વસોની ઘૂંટન કોણે સમજી?
ને તારી ઊણપ કોણે સમજી?

લાગું લોકોથી ઘેરાયેલી,
યાદોની ચૂભન કોણે સમજી?

ના બોલે તેને નવ ગુણ દીધા,
હૈયાની કૂંણપ કોણે સમજી?

ક્હું પણ કોને હું મનની વાતો,
મારી દુ:ખતી રગ કોણે સમજી?

લાલ કરી સળગી તારી યાદોમાં,
આંખોની આ શગ કોણે સમજી?

માધવ રમતાં રાધા સંગે એ,
લીલાની પૂનમ કોણે સમજી?

આસુંને પણ જો સુકવ્યા વ્હાલાં,
સમજુંની આ ઘડ કોણે સમજી?


ચરણ નમાવું શીશ ગુરુવરજી,
હતી જિંદગી બધીર ગુરુવરજી.

આપ્યા સંતોષ, સંયમ અપાર,
હતી હું અબુધ અધીર ગુરુવરજી.

જિંદગીનાં સુખ દુ:ખ સમજાવ્યા,
ના રહીં હવે હું સગીર ગુરુવરજી.

રામાયણ, ગીતાનાં કર્યા રસપાન,
થઈ ગઈ હું કબીર ગુરુવરજી.

માટીમાંથી માણસ બનાવી મને,
આપોને સેવા લગીર ગુરુવરજી.

કવચ,કુંડળ આપું કે આપું અંગૂઠો ?
ગુરૂદક્ષિણામાં આપું મારું ઝમીર ગુરુવરજી.


ગઝલ

આંખોમાં અંગારા લઈને બેઠી છું,
રડવાનાં ભણકારા લઈને બેઠી છું.

જખ્મો આપે છે આ દુનિયા ને એવાં,
જખ્મોનાં ચણનારા લઈને બેઠી છું.

ઊડીને વળગી ધૂળ બધી ઈચ્છાને,
ઈચ્છા પર હસનારા લઈને બેઠી છું.

જીવન ભર સાથે ચાલે,ના તરછોડે,
દુ:ખોના શણગારા લઈને બેઠી છું.

રૂંધાવુ, રીબાવું છે કિસ્મત મારી,
શ્વાસોને હણનારા લઈને બેઠી છું.

કાજલ કાંજિયા “ફિઝા”

 

Manoj Shukla’s Poetry-2(મનોજ શુક્લની રચનાઓ-2)

ગીત

હોય અમારૂં એવું ઘર જ્યાં
મુક્ત પછેરૂ એક જ નીડ,
કલબલતું આંગણ હો સાથે
કલરવ ભીની મીઠી ભીડ.

સ્નિગ્ધ ધરાનું પોત હમેશાં
જોડી રાખે દઇને હેત,
મ્હેક અમારા સંબંધોની
પ્રસરે વનમાળીને ખેત,
જોજન દૂરનાં જીવો પણ
આકર્ષણ પામે જાણે તીડ,
હોય અમારૂં….

હ્રદય અમારે સમૃદ્ધિનો
સાગર છલકે પારાવાર,
હેતે વ્હેતા સ્નેહલ ઝરણાં
તૃપ્ત કરે તરબોળ અપાર,
હાથ પસારે હરિવર જાણે
હરવા જગ બાંધવની પીડ.
હોય અમારૂં…


-મળશે-

અહીં કાલનું આજ સંધાન મળશે,
ઇતિહાસે શાપિત એંધાણ મળશે.

અહીં સલ્તનતના છે તખ્તો ય પોકળ,
ટકોરા કરીને જો પોલાણ મળશે.

કદી માર્ગને ઠીક કરવાને ધારો
તમારા કરેલા જ ખોદાણ મળશે.

કરોડોની કાંધે ચડીને નિકળતી
અનર્થોની અર્થીના ભેલાણ મળશે.

દરોદારને સૌ દમામોના દાવા
નિરખતા હરેકે સમાધાન મળશે.

જુઓ એક છોડે બે રંગે ફૂલોને
અલગ કૂળના આમ જોડાણ મળશે.

ખુબીથી વિવિધામાં એકત્વ દેખો
નહી તો અનેકોના ભંગાણ મળશે.


ધીર ના ધરી શકું,
પ્રેમ શે કરી શકું ?

વ્હેણ જોશના ય તે,
તાણમાં તરી શકું.

માનમાં રહી અને
મૌન પણ ધરી શકું.

નેહ નાડ પારખી,
વાપસી કરી શકું.

વાત જાતથી કરી,
વાત ચાતરી શકું.

કેટકેટલું કરી,
કૈંક તો કરી શકું.


સંગણક યાંત્રિકતા તો માઉસની પુચ્છે જીવે,
બિંદુ કે રેખા કરો સૌ માઉસ આધીન કર્સરે.

શબ્દની શાલીનતા કે તસ્વીરી તાસીરને
સ્પર્શતું પંપાળતું મદહોશ થાતું કર્સરે.

અંગુલી નિર્દેશ માટે અવનવા રૂપો ધરી,
મોહમય માયા રચાવે ક્લીક કરતાં કર્સરે.

ગણપતી કહેવા ઘટે આ સંગણક સંચાલકો
નિતનવી સિદ્ધિ ઉમેરે મુષક ઝીણા કર્સરે.


-કાં હણહણો.

કાન ‘ને આંખો કરે છે ચણભણો,
ચુપ રહીને કેમ આવું ગણગણો ?

શ્વાસને અફડાવ મા જાગી જશે,
વાગશે જો ચાંદનીની રણઝણો.

તૃણ ! ઘેલી તરફડાહટને કહે,
મેઘને ઝકઝોળતા’તા જલકણો.

એક મુઠ્ઠી તાંદુલોએ પણ કહ્યા,
બીજના અઢળક સુધીના સગપણો.

જીરવ્યા શેં થાય એવા પણ હશે,
જીવને પર્યંતતાના વળગણો.

મોહ છે રેવાલતાનો રક્તને,
ઘોડલાઓ ! દેહમાં કાં હણહણો ?

મનોજ શુક્લ

અમૃત “ઘાયલ” ની કેટલીક રચનાઓ(Some poetry of Amrut “Ghayal”)

amrut-ghayal

અમૃતલાલ લાલજી ભટ્ટ (અમૃત “ઘાયલ”)

Amrutlal Lalji Bhatt (Amrut “Ghayal”)

1915-2002


સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં “ઘાયલ”
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.


અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે “ઘાયલ”,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.


કેમ ભૂલી ગયા? દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું
 
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું
અડધોપડધો જ ઓળખાયો છું
 
વિસ્તર્યા વિણ બધેય છાયો છું
હું અજબ રીતથી ઘવાયો છું
 
આમ તો એક બિન્દુ છું કિન્તુ
સપ્તસિન્ધુથી સંકળાયો છું
 
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો
ચન્દ્રની જેમ ચોડવાયો છું
 
વઢ નથી વિપ્ર, આ જનોઈનો
આમ હું આડેધડ કપાયો છું
 
રામ જાણે શું કામ હું જ મને
સર્પની જેમ વીંટળાયો છું
 
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે
હું ય મારો નથી, પરાયો છું
 
સાચું પૂછો તો સત્યના પંથે
ખોટી વાતોથી દોરવાયો છું
 
ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને
આપ મેળે જ ઊંચકાયો છું
 
મીંડું સરવાળે છું છતાં “ઘાયલ”
શૂન્ય કરતાં તો હું સવાયો છું

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

“ઘાયલ” મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.


ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

“ઘાયલ” ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.


દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

રમેશ પારેખ ની કેટલીક રચનાઓ(Some poetry of Ramesh Parekh)

ramesh_parekh_11Ramesh Parekh(રમેશ પારેખ)

1940-2006


ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…


સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને – કાંવ…કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા….
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.


ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !


પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા


હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?